*છોટાઉદેપુરના તેજગઢમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને કોર્ટે એક વર્ષની સજા ફટકારી*
*ચેકની રકમથી દોઢી રકમ રૂા.27 લાખ વળતર પેટે ભરવાનો હુકમ કરાયો*
*છોટા ઉદેપુરના તેજગઢમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને કોર્ટે એક વર્ષની સજા ફટકારી* છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામા દવાખાનું ચલાવી મેડિકલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરે ડિસેમ્બર 2021માં રાજા રણછોડ કોર્પોરેશનના માલિક વિરુદ્ધ ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ છોટાઉદેપુર અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં 27 ઓગસ્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમથી દોઢી રકમ રૂા.27 લાખ વળતર પેટે ભરવાનો હુકમ કરાયો હતો. જો આરોપી સદર રકમ ભરવામાં કસૂર કરે તો તેને વધુ દિન-30ની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આરોપી હાજર રહેલ ન હોઈ તેની સામે ધરપકડ વોરંટ કાઢવાનો હુકમ કરાયો હતો.
આ કામના ફરિયાદી પ્રશાંત લીમજી પાટીલ ગુરુકૃપા સોસાયટી, નારાયણ સ્કૂલ પાસે, છોટાઉદેપુરમાં રહે છે તેજગઢમાં તેમનું દવાખાનું આવેલ છે અને મેડીકલ પ્રેક્ટિસ કરે છે. આરોપી રણવીર ભરવાડ, ઠે.કવાંટ રોડ, જકાતનાકા પાસે, છોટાઉદેપુર રાજા રણછોડ કોર્પોરેશનના નામથી કન્સ્ટ્રકશન અને રેતીનો ધંધો કરે છે. આરોપીને તેમના ધંધા માટે રૂપિયાની જરૂર પડતાં ફરિયાદી અવાર નવાર આરોપીને હાથ ઉછીના રૂપિયા આપતા હતા. દોઢ વર્ષ પહેલાં આરોપીને પૈસાની જરૂર પડતાં ફરિયાદીએ રૂા.10 લાખ બજાજ ફાઈનાન્સમાંથી લોન કરાવી આરટીજીએસથી રૂા.5 લાખ તથા રૂા.5 લાખ બેંકમાંથી ઉપાડી આરોચીને આપ્યા હતા. આ 10 લાખનું વ્યાજ ફરિયાદી ભરતા હતા અને હાલમાં પણ ભરે છે. વ્યાજ સહિત રૂા.18 લાખ આરોપી પાસે લેવાના હોઇ ફરીયાદીએ ઉપરોકત રૂપિયાની વારંવાર ઉઘરાણી કરતાં આરોપીએ ફરિયાદીને તેમના નામથી તા.25 ઓક્ટો.2021ના રોજનો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા છો.ઉ. શાખાનો રૂા.18 લાખનો ચેક લખી સહી કરી આપેલ અને રકમ મળી જશે તેવો ભરોસો આપેલ. જેથી ફરિયાદીએ ચેક તા.25 ઓક્ટો.2021ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા છોટાઉદેપુર શાખામાં તેમના ખાતામાં ભરેલ. જે ચેક પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅરના શેરો સાથે 26 ઓક્ટો.એ પરત ફર્યો હતો. તેની જાણ આરોપીને કરી હતી. બાદ ફરિયાદીએ ઉપરોકત ચેક રિટર્ન બાબતની નોટિસ તા.11 નવેમ્બર 2021ના રોજ આરોપીને આપી હતી. જેનો કોઈ જવાબ આરોપીએ આપ્યો ન હતો. આમ, આરોપીએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરતાં કોર્ટે તેને સજા અને દોઢ ગણી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.