*કામ બોલે છે !!!* *આવી ગઈ, આવી ગઈ પાલિકા ની ચુંટણી આવી ગઈ!!!

કામ બોલે છે !!!
આવી ગઈ, આવી ગઈ પાલિકા ની ચુંટણી આવી ગઈ!!!
ગણેશ ઉત્સવ, ગરબા ઉત્સવ આ બધા દર વર્ષે આવે પણ ચૂંટણી ઉત્સવ સામાન્ય રીતે પાંચ વર્ષે આવે, આ વખતે કેટલાક કારણસર સાત વર્ષે આવ્યો.કેટલાય ચૂંટણી ઘેલાઓ,કોર્પોરેટર બનવા થનગની રહેલા લાંબા સમય થી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેવા સેંકડો મુરતિયા નો ભાવિ કોર્પોરેટર બનવા નો થનગનાટ સમગ્ર નગર માં જોવા મળી રહ્યો છે.બધાય ને નગરસેવક બનવા નાં ઓરતા છે,અરમાન છે, આશા છે ! ખરેખર જેના ગળા માં માળા પડશે તેવા તો 28 જ નસીબદાર હશે.
પણ તે માટે ની મથામણ,કાવા દાવા,સામ, દામ, દંડ, ભેદ ના ઉપયોગ વિગેરે એક થ્રીલર ની જેમ માણવાની પણ મજા છે.
સોશિયલ મીડિયા નો જમાનો છે મોટાભાગ ના મતદારો ની હાજરી સોશિયલ મીડિયા માં એક યા બીજા પ્લેટફોર્મ પર હોય જ છે. મતદારો ને રીઝવવા માટે આ મુરતિયાઓ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ્સ,રિલ્સ,વિડિયોઝ અને ફોટા મૂકે છે અથવા એકબીજા ની પોસ્ટ કે વોલ પર મુરતિયા કે તેના સમર્થકો દ્વારા કૉમેન્ટ બાજી નું જે મહાયુદ્ધ ખેલાય છે તેની પણ એક અલગ મજા છે.
કોઈપણ પોસ્ટ, રિલ્સ કે ફોટો વિડિયો ની એક ટેગલાઈન ખાસ ધ્યાન ખેંચે છે ” કામ બોલે છે”.
પણ સાલું તકલીફ એકજ છે જે આ કામ પાંચ વરસ બોલતું નથી!
જો કે મતદારો ને પણ ચૂંટણી સુધી જ રાજા પાઠ નો અનુભવ કરવાનો છે પછી તો પાછું જૈસે થે!
જો કે એવું કહેવાય છે કે કુદરત દરેક વ્યક્તિ ને પોતાની લાયકાત મુજબ નું ફળ આપે છે નગર નાં મતદારો ની લાયકાત,સમજ, વિચારશીલતા અને નિર્ણય મુજબ ના જ મુરતિયાઓ નાં ગળા માં વિજય માળા પડશે તેઓ જ આવનારા પાંચ વર્ષો માટે પાલિકા નાં ‘ વહીવટ ‘ માટે સતા માં આવશે. હવે નક્કી મતદારો ને કરવા નું છે કે દારૂ ની બોટલો, તેલ નાં ડબ્બા કે ઘઉં, ચોખા નાં કટ્ટા માં વેચાઈ જવું છે કે પછી ખરેખર સમર્થ અને ઈમાનદાર ઉમેદવાર ને જીતાડી ને નગર નો ઉત્તમ વિકાસ કરવો છે !