ગુજરાતછોટા ઉદેપુર
*છોટા ઉદેપુર નગરમાં પ્રજાની સેવા માટે કાર્યરત થયેલા મુરતિયાઓ*
કોઈ જગ્યાએ પાર્ટી ની ભરમાર, તો કોઈ જગ્યાએ આપતી લોભામણી લાલચો, "ભેંસ ભાગોળે અને છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ" તેવો ઘાટ, નેતા બનવાની લાલસા માં મતદારો ને અપાતી લોભામણી લાલચો
છોટા ઉદેપુર નગર માં નગર પાલિકા વિસ્તારમાં કુલ સાત વોર્ડ આવેલા છે. દરેક વોર્ડમાં ચાર સભ્યોની ચૂંટણી થતી હોય છે. જ્યારે હાલ છેલ્લા એક વર્ષ થી અગાઉ ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ પાલિકાનો વહીવટ વહીવટદાર ના હવાલે છે. હવે ટૂંક સમયમાં નગર પાલિકા ની ચુંટણી આવવાના એંધાણ વર્તાતા હોય ત્યારે પ્રજાનું દિલ જીતી લેવાના અથાક પ્રયત્નો થઇ રહ્યા છે. પાલિકા ના સભ્ય બનવાની અને સત્તા ગ્રહણ કરવાની લાલસા ધરાવતા મુરતિયાઓ મેદાને ઉતરી ગયા છે. અને પાર્ટી ઓ અને લોભામણી લાલચો ની ભરમાર જોવા મળી રહી છે.
છોટાઉદેપુર નગર પાલિકા ની ચુંટણી ના પાંચ વર્ષ ની મુદ્દત ફેબ્રુઆરી ૨૦૨૩ માં પૂરી થઈ ગઈ હતી જે મુદ્દતો પૂર્ણ થતાં સભ્યો સત્તા વિહોણાં બન્યા છે. જ્યારે સત્તાની લાલચ હજુ જતી નથી અને એકબીજાને કેવીરીતે નીચા પાડવા અને પ્રજામાં વ્હાલું થવું તેની હરીફાઈઓ શરૂ થઈ ગઈ છે. હજુ ચૂંટણી નું જાહેરનામું બહાર આવ્યું નથી ત્યારે અત્યારથી જ વ્હાલા દવલા ની રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. લોકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તથા અન્ય દસ્તાવેજી કાગળિયા બનાવડાવી આપવા માટે સત્તા ના ઇચ્છુક મુરતિયાઓ દોડ લગાવી રહ્યા છે. શું પહેલા કોઈના આધાર કાર્ડ હોય જ નહિ? પ્રજાને પડતી તકલીફો જેમકે પાણી, લાઈટ, રસ્તા, ગટરો ને સાફ કરવવા જેવી સમસ્યાઓનો નિકાલ કરવા જાણે હોડ જામી છે. યુવાન મતદારોની વર્ષગાંઠ હોય કે સારો પ્રસંગ હોય કેક કાપી ને ભવ્ય ઉજવણી કરવા માટે સત્તા ના ઇચ્છુક ઉમેદવારો કેક લઈને પહોંચી જાય છે. ઘણા ને સારું લાગે છે જ્યારે ઘણામાં હાસ્યાસ્પદ બનતા દૃશ્યો જોવા મળી રહ્યા છે. શું આ મતદારોની વર્ષગાંઠ અગાઉ નહોતી આવતી? પરતું આજ વર્ષે પ્રજા પ્રત્યે નેતાઓને પ્રેમ જાગ્યો છે તેવી ચર્ચા ચાલી રહી છે.
( પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે પ્રજાને અપાતી લોભામણી લાલચો )
નગર પાલિકા ની ચુંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સભ્ય પદ મેળવવા માટે નેતાઓએ અત્યારથી જ કમર કસી લીધી છે. જ્યારે સત્તાધારી પક્ષ તરફથી અને રાજકીય પાર્ટીના સિમ્બોલ મળે તે માટે ગોડફાધરો ના શરણે જતાં જોવા મળી રહ્યા છે અને સેવાકાર્ય આરંભી દીધા છે. જ્યારે કેટલાકે તો અવનવી સ્કીમો બનાવી રાજકીય ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે , રોજગારી ક્ષેત્રે પ્રજાને લોભામણી લાલચ આપવાનું શરુ કરી દીધું છે. જે નગરમાં હાસ્યાસ્પદ મુદ્દો બન્યો છે.
( વર્ષોથી વિવાદમાં ચાલતી છોટા ઉદેપુર નગર પાલિકા ની અંદર નું રાજકારણ ગાંધીનગર કરતા પણ ફેમસ છે. અહીં સત્તા મેળવવા કોણ ક્યાં ગુલાંટ મારશે? કોણ કોને લાત મારશે? કોણે માળિયા ઉપર અને કોને હાસ્યા માં ધકેલી દેશે? અને કોણ કોને હાથો બનાવશે?, કોના ખભા ઉપર મૂકીને બંદૂક ફોડાશે ? તે કશું નિશ્ચિત નથી પરતું અત્યાર સુધી રચાયેલા રાજકારણ માં ઘણા ના ભોગ લેવાઈ ગયા છે. અને ઘણા ઘરે પણ બેસી ગયા છે. હવે એનું પુનરાવર્તન ના થાય તેવું તાજા ઉમેદવારો એ ધ્યાન રાખવું જરૂરી છે. )