* છોટાઉદેપુર નગરમાં વાપરવામાં આવતું ખાદ્ય તેલ ની તપાસ કરવી જરૂરી *
નાસ્તાની દુકાનો ઉપર વાપરવામાં આવતુ તેલ યોગ્ય છે ખરૂં? હલકી કક્ષાનુ તેલ વપરાતું હોય તેવી લોક ચર્ચા
છોટા ઉદેપુર નગર સહિત આસપાસના વિસ્તારમાં ઘણી જાહેર જગ્યાઓ ઉપર વિવિધ ખાણીપીણીની લારીઓ અને દુકાનો આવેલી છે. જેમાં નગર અને આસપાસના વિસ્તારના લોકો ખાદ્ય ચીજ વસ્તુઓ (નાસ્તો) ખરીદતા હોય છે અને સવાર સવારમાં આરોગતા હોય છે. આ તમામ ફરસાણની વસ્તુઓ તેલમાં તળવામાં આવતી હોય અને લોકો તેનું સેવન કરતા હોય પરતું તેને તળવામાં યોગ્ય તેલ વપરાતું નથી તેમ લોકો જણાવી રહ્યા છે. પ્રજાના આરોગ્ય ઉપર કોઈ ગંભીર અસર ના પડે જેને ધ્યાને રાખીને આ વપરાતું તેલ ગુણવત્તા યુક્ત હોય તે ઘણું જરૂરી છે.
ઉલ્લેખનીય છેકે નગરમાં આવેલ ખાણીપીણીની લારીઓ ઉપર જે તેલમાં તળેલા ખાદ્ય પદાર્થો વેચાઈ રહ્યા છે તેમાં એકનું એક તેલ વારંવાર વાપરવામાં આવે છે તેમ ગ્રાહકો જણાવી રહ્યા છે. શું આ અંગે તંત્ર આંખે પાટા બાંધીને બેઠુ છે ? કે કેમ. ખાણીપીણીની લારીઓની આસપાસના વિસ્તારમાં ઘણી ગંદકી પણ જોવા મળતી હોય છે. આ ગંદકી ના કારણે પ્રજાના આરોગ્ય ને નુકશાન થાય તેવી પ્રબળ શક્યતાઓ પણ રહેલી છે. પરતું આ બાબતે તંત્રની નજર પડતી નથી જે નવાઈ ભરી વાત છે. ઉલ્લેખનીય છેકે ખાણી પીણીની લારીઓ પર વેચાતા નાસ્તામાં વાપરવામાં આવતી સામગ્રી પણ યોગ્ય ખાવા લાયક છે કે કેમ? જેની તપાસ પણ થવી આવશ્યક છે. ઘણા ગ્રાહકો જણાવી રહ્યા છે કે મટીરીયલ પણ યોગ્ય વાપરવામાં આવતું નથી.
( છોટાઉદેપુર જિલ્લા માં બિલાડીની ટોપ ની જેમ ફૂટી નીકળેલા ખાણી પીણીની લારીઓ અને દુકાનો ઉપર યોગ્ય તેલ કે અન્ય સામગ્રી વાપરવામાં આવે છે કેમ? તેવી અનેક શંકા કુશંકાઓ પ્રજામાં ઘર કરતી જાય છે. ઘણી લારી અને દુકાનો પાસે ફૂડ લાયસન્સ હોતા નથી. તેમ પ્રજા જણાવી રહી છે. શું જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ બાબત થી અજાણ છે? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. છોટા ઉદેપુર જિલ્લો અલગ થયે વર્ષો વિતી ગયા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી છોટા ઉદેપુર ખાતે નથી. હજુ પણ વડોદરા થી વહીવટ થતો હોય અને દિવાળી ના તહેવારો અગાઉ અધિકારીઓ આવીને જતાં રહેતા હોય છે. જેથી આવા દુકાનદારોને છુટ્ટો દોર મળી જાય છે. પરતું પ્રજાના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ જોવા મળી રહ્યુ છે. )
રિપોર્ટર : ગોહિલ અબુલઆસ, છોટાઉદેપુર ( 7043699501 )