છોટાઉદેપુરના દેવહાંટ પાસે ને.હા.56 ઉપર પુલની પેરાફીટ ટુટી, તંત્ર તાત્કાલિક સમારકામ કરાવે તે જરૂરી
છોટા ઉદેપુર થી મધ્ય પ્રદેશ ને જોડતા નેશનલ હાઇવે નં 56 ઉપર દેવહાંટ ગામ પાસે આવેલા ઓરસંગ નદી પરના પુલની પેરાફીટ એક ટ્રકની ટક્કરે તૂટી ગઈ હતી, છતાં પણ નેશનલ હાઇવે ઑથૉરિટી દ્વારા કોઈપણ જાતની ચેતવણીના બોર્ડ ન લગાવાતાં લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ પાસે નેશનલ હાઇવે 56 ઉપર આવેલ પુલ પર બે ત્રણ દિવસ અગાઉ રાત્રી દરમિયાન એક ટ્રકનો અકસ્માત થયો હતો. ટ્રકના જોરદાર અકસ્માતના કારણે પુલની પેરાફીટ લગભગ 20 થી 30 ફૂટ જેટલી તૂટી ગઈ હતી. નસીબ જોગ ટક્કર થયેલ ટ્રક પુલની નીચે ન ગબડી પડતાં મોટા અકસ્માતની હોનારત ટળી હતી. આ નેશનલ હાઇવે ઉપર રોજબરોજ હજારો નાના મોટા વાહનો અવર જવર કરતા હોય છે તે માટે તંત્રએ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ચેતવણી રૂપ બોર્ડ મૂકવા જરૂરી છે પરંતુ, બે ત્રણ દિવસ થવા છતાં નેશનલ હાઇવે ઑથૉરિટી દ્વારા હજુ સુધી પુલ પર ચેતવણી માટેના કોઈપણ બોર્ડ લગાવવામાં આવ્યા નથી. ગુજરાત અને મધ્ય પ્રદેશ ને જોડતા આ નેશનલ હાઇવે પર હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે આ બ્રીજની તૂટેલી પેરાફિટ નાં કારણે કોઇ મોટો અકસ્માત થાય તેવો ભય રાહદારીઓમાં જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરાય અને ત્યાં સુધી ચેતવણી રૂપ બોર્ડ મૂકવામાં આવે તેવું સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે.