છોટા ઉદેપુર

દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદ….

છોટાઉદેપુર જિલ્લામાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદની સજા ફાટકારતી નામદાર સ્પેશ્યલ પોકસો કોર્ટ

છોટાઉદેપુર: છોટાઉદેપુર ની સ્પેશ્યલ પોકસો કોર્ટના ન્યાયાધીશ શ્રી સી. કે. મુન્શી દ્વારા ૮ વર્ષની બાળકી સાથે બળાત્કાર તથા દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.

છોટા ઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના ખાંડીયા અમાદર ગામના સંજય સોનકા રાઠવા દ્વારા ગત તારીખ ૨૯/૦૩ /૨૦૨૧ ના રોજ પાવીજેતપુર તાલુકાના એક ગામની ૮ વર્ષની બાળકીને એકાંતમાં અવાવરું જગ્યાએ મકાઈ ના ખેતર માં ઊંચકી ને લઈ જઈ તેની ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતુ. આ બનેલી ઘટના બાબતે બાળકીએ તેની માતાને જણાવતા સગીર બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે IPC ની કલમ 376 AB તેમજ જાતીય ગુનાઓથી રક્ષણ બાબત અધિનિયમ 2012 ની કલમ 4 તથા કલમ 8 એટલેકે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી સદર આરોપી ને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

આ બનાવ અંગેનો કેસ છોટાઉદેપુર સ્પેશિયલ પોકસો કોર્ટ સમક્ષ ચાલી જતાં સદર કેસમાં ફરિયાદ પક્ષ તરફે 16 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા 13 સાક્ષીઓની જુબાની ના રજૂ થયેલ આધાર પુરાવા બાબતે જિલ્લા સરકારી વકીલ શ્રીમતી સોનલબેન દેસાઈ દ્વારા કરાયેલ ધારદાર દલીલો ને સ્પે.પોક્સો કોર્ટ ના ન્યાયાધીશ ચિરાગ કિશોર મુન્શી દ્વારા ગ્રાહ્ય રાખવા માં આવેલ અને અંતમાં દુષ્કર્મ આચરનાર નરાધમ સંજય સોનકા રાઠવાને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

જાતિય બાળ ગુનાહિત કૃત્ય આચરનાર લોકોમાં કાયદાનો ડર બેસાડવા સમાજમાં દાખલારૂપ હુકમ કરતાં ભોગબનનાર બાળકી ના પરિવારને સચોટ ન્યાય મળ્યો છે અને દોષિત આરોપી સંજય સોનકા રાઠવાને ૨૦ વર્ષ ની સખત કેદની સજા અને રૂપિયા ૨૫૦૦૦/- નો દંડ ફરમાવેલ છે તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૭ ના ગુન્હા સબબ તકસીરવાન ઠેરવી સદર અધિનિયમની કલમ ૮ અન્વયેના શિક્ષા પાત્ર ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૧૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે અને આ બંને સજાઓ એક સાથે ભોગવવાનો હુકમ કર્યો છે. તદુપરાંત ભોગ બનનાર સગીર બાળકી ના પરિવાર ની સામાજિક તથા આર્થિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફોજદારી કાર્યરિતી સંહિતાની કલમ ૩૫૭(એ) તથા ગુજરાત વિકટીમ કોમ્પનસેશન સ્કીમ ૨૦૧૯ ની જોગવાઈઓ મુજબ ભોગ બનનારને વળતર પેટે રૂ. ૪ લાખ નું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરને ભલામણ પણ કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!