*જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ગેર મેળા ૨૦૨૫ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ*
જિલ્લા કલેક્ટરએ કવાંટ ના ગેર મેળાના આયોજન ની વિસ્તૃત માહિતી આપી

જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ગેર મેળા ૨૦૨૫ અંગે પ્રેસ
કોન્ફરન્સ યોજાઈ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે તા. ૧૬ માર્ચના ગેર મેળા – ૨૦૨૫ અંગે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતમાં કલેક્ટર કચેરીના વિ.સી. હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના હોળીના મેળાઓમાં હોળીના ત્રીજા દિવસે તા.૧૬ માર્ચના રોજ કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર ”નો લોકમેળો યોજાય છે. મેળામાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારના આદિવાસી “ઘેરૈયા” પાંચ દિવસ આકરા ઉપવાસ કરી ગેર ઉઘરાવે છે. ગેરમેળાનું મુખ્ય આકર્ષણ લોકવાદ્યોના તાલ પર તાલબદ્ધ “ઘેરૈયા નૃત્ય” કરતા ઘેરૈયા છે. આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાખી કરાવતા “ગેરમેળા”ના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃખલામાં મુકવાનો જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “ગેરમેળા” દરમિયાન ઘેરૈયા ટીમ હરિફાઇ,પરંપરાગત તિરંદાજી રમત સ્પર્ધા,ગિલોલ રમત સ્પર્ધા, પિઠોરા ચિત્ર હરિફાઇ,સંગીતવાદ્ય હરિફાઇ, લોકવાદ્યો,લોકગીતો અને નૃત્ય હરિફાઇ,ફોટોગ્રાફી હરિફાઇ, મીડિયા કવરેજ હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ સ્પર્ધા ભાગ લેવા માટે સ્પર્ધકોએ chhotaudepur.nic.in પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.આ રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૮ ફેબ્રુઆરી છે.
તા.૧૦ માર્ચના રોજ રામ ઢોલ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના વિજેતાઓને તા.૧૬ માર્ચના રોજ પ્રોત્સહાક ઇનામ આપવામાં આવશે.
આદિવાસી પરંપરાગત તિરંદાજી અને ગિલોલની રમત હરિફાઇ તા.૧૫.૩.૨૫ અને તા.૧૬.૩.૨૫ના રોજ થશે. તા.૧૫.૩.૨૫ના રોજ સવારે ૯.૩૦ કલાકે તિરંદાજી અને ગિલોલ સ્પર્ધાના તમામ ટીમોની સ્પર્ધા થશે. તેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીયા આવનારની ફાઈનલ હરીફાઇ તા.૧૬.૩.૨૫ના રોજ બપોરે 3.૦૦ વાગ્યે થશે.
ઘેરૈયા ટીમ હરિફાઇ,પિઠોરા ચિત્ર હરિફાઇ,સંગીતવાદ્ય હરિફાઇ, લોકવાદ્યો,લોકગીતો અને નૃત્ય હરિફાઇ તા.૧૬ માર્ચના રોજ થશે. ફોટોગ્રાફી હરિફાઇ તા.૧૬ માર્ચના રોજ યોજાશે. હરિફાઇમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર ભાગ લઇ શકશે.ફોટોગ્રાફીના તા.૧૯ માર્ચના પ્રથમ, દ્વિતીય અને તૃતીયા વિજેતાને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
મીડિયા કવરેજ હરિફાઇ તા.૧૧ માર્ચથી શરૂ થશે અને તા.૨૦.૩.૨૫ના રોજ પૂર્ણ થશે.પ્રિન્ટ મીડિયામાં સમાચારપત્રમાં આવેલા સમાચાર,લેખ,ખાસલેખ, ફોટોસ્ટોરી,લેખનશૈલી અને મૌલિકતા પર ધ્યાન આપવામાં આવશે. ઇલેકટ્રોનિક મીડિયામાં ગેરમેળાના કવરેજને કેટલુ ફુટેજ મળે છે તે ધ્યાને લેવાશે.સોશિયલ મીડિયા પર લાઇક,ફોલો,રીચ જોવામાં આવશે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી વખતે #Germela2025 , #GujaratTourism અને #garvigujarat લખવાનું રહેશે. મીડિયા કવરેજના તા.૨૪.૩.૨૫ના પ્રથમ, દ્વિતીય અને તૃતીયા વિજેતાને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. “ગેર મેળા” દરમિયાન પરંપરાગત પહેરવેશમાં સૌથી આકર્ષક પહેરવેશ જે ગૃપનું હશે તે ગૃપને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. ઘેરૈયા ટીમ હરિફાઇમાં સ્થાનિક ૨૬ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ૨૮ જગ્યાઓ પર આદિવાસી સમુદાયની ઝાખી કરાવતા ભીતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ભીતચિત્રો દ્વારા કવાંટમાં આવનાર સહેલાણીઓને સ્થાનિક સંસ્કૃતિને જાણી શકશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ટ્રાયફેડ, ગુર્જરી અને ટીસીજીએલના સહયોગથી સ્થાનિક કલાકારોને પ્રોસાહન મળે તે માટે સ્થાનિક બનાવટની વિવિધ કલાકૃતિઓના વેચાણ માટે સ્ટોલ બનાવવામાં આવ્યા છે.
ભાતીગળ લોકમેળામાં આવનાર સહેલાનીઓને સ્થાનિક વાનગીનો સ્વાદ માણી શકે અને સ્થાનિક વાનગીઓને પ્રોત્સાહન મળે તે માટે પરંપરાગત વાનગીઓના અલગ અલગ જગ્યા પર સ્ટોલ રાખવામાં આવ્યા છે. સ્થાનિક પરંપરાગત સંગીત વાદ્યો મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટનું પર્ફોર્મન્સનું લાઇવ આયોજન થનાર છે.