ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રીના વિવેચનસંગ્રહ ‘કાવ્ય સત્ર’ ને ‘રમણલાલ જોશી પારિતોષિક’ એનાયત કરાશે
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી વિવેચન માટેનો એવોર્ડ

પંચમહાલ,
જાણીતા સાહિત્યકાર, નિવૃત્ત પ્રોફેસર, અને અનેકવિધ ક્ષેત્રોમાં સક્રિય ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રીના ૨૦૨૦માં પ્રકાશિત વિવેચનસંગ્રહ ‘કાવ્ય સત્ર’ ને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિવર્ષ આપવામાં આવતું પ્રતિષ્ઠિત ‘રમણલાલ જોશી પારિતોષિક’ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આ જ સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી વિવેચન માટેનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રી, જેઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલમાં ગુજરાતી વિભાગના કોઓર્ડિનેટર, એકેડેમિક એડવાઈઝર, એ.સી. મેમ્બર, આચાર્ય અને કોલમ લેખક તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમણે સાહિત્ય, શિક્ષણ અને સામાજિક સેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અત્યાર સુધી તેમને ૩૫ થી વધુ એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે.
તેમણે વાર્તાકાર, ગઝલકાર, અનુવાદક, સંપાદક, સંશોધક, વિવેચક અને નિબંધકાર તરીકે વિવિધ સ્વરૂપોમાં ૩૦ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત, તેઓ રોટરી ક્લબ, સંસ્કાર ભારતી, અન્નપૂર્ણા ટ્રસ્ટ, કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન જેવી નામાંકિત સંસ્થાઓમાં પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. ભાષા, સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે તેમનું પ્રદાન સતત અને નોંધનીય રહ્યું છે.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ