*છોટાઉદેપુર નગરજનોએ રાવણ દહન કરી દશેરા ની ઉજવણી કરવામાં આવી *
નગરના જૈન મંદિર ચોક તેમજ નવાપુરા ચોખંડી ખાતે સ્થાનિક યુવકો દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
છોટાઉદેપુર નગરજનોએ રાવણ દહન કરી દશેરા ની ઉજવણી કરવામાં આવી
છોટાઉદેપુર નગરના ઉત્સવપ્રિય પ્રજાજનોએ વિજયાદશમી મહાપર્વ દશેરાની ઉજવણી રાવણ દહન કરી કરવામાં આવી હતી. માં શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીના નવ દિવસ નોરતામાં ગરબા રમી આજે દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબીની જ્યાફત ઉડાવી , નગરના અતિ પૌરાણિક હનુમાનજીના મંદિરે ભક્તિભાવથી દર્શન કરી વારિગૃહમાં સ્થિત સમી વૃક્ષ નું પૂજન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન શ્રી રામચંદ્રજીના હસ્તે દશેરા ના દિવસે આસુરી શક્તિના પ્રતીક સમા રાવણનું હનન કરવામાં આવ્યું હતું તેથી જ આ દિવસે ઠેરઠેર રાવણ દહન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અસત્ય પર સત્ય ના વિજય સમા આ મહાપર્વમાં આસુરી શક્તિના પ્રતીક સમા રાવણ નું નગરના વિવિધ વિસ્તારોમાં દહન કરવામાં આવ્યું હતું. નગરના જૈન મંદિર ચોક તેમજ નવાપુરા ચોખંડી ખાતે સ્થાનિક યુવકો દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અસત્ય ના પ્રતીક સમા રાવણ ના પૂતળાનું વિધિવત દહન કરી નગરજનોએ દશેરા પર્વની ઉજવણી કરી હતી……