છોટા ઉદેપુર જીલ્લા મથકને જોડતો સ્ટેટ હાઇવેનો બ્રિજ જર્જરિત
કવાંટ તરફ જતા બ્રિજના 7 નંબરનો કોલમ પાસે સળિયા દેખાયા જ્યારે કોલમ પણ જર્જરિત
બેફામ ગેરકાયદેસર ચોરી કરનારા રેતી માફિયાઓના પાપે બ્રિજના પાયા દેખાય ગયા છે. રેતીના સ્તર ઉંડા ઉતરી જતા બ્રિજના પાયાને વધુ નુકસાન થવાની સંભાવના
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી ઉપર જિલ્લા મથક છોટાઉદેપુર ને જોડતા બે બ્રિજ આવેલા છે. જેમાં એક બ્રિજ કવાંટ તરફ જતો હોય સ્ટેટ હાઇવે ન 62 ઉપર આવેલો છે પરંતુ આ બ્રિજ ખૂબ જુનો અને જર્જરિત છે. ભારે ભરખમ વાહનો પસાર થતા બ્રિજની બંને બાજુ કંપન થાય છે. જ્યારે આવા અતિ મહત્વના રસ્તાઓ ઉપર આવનારા દિવસોમાં કોઈ મુશ્કેલી ન સર્જાય અને કોઈ હોનારત ન સર્જાય તે બાબતે ધ્યાન રાખવું આવશ્યક છે. છોટાઉદેપુરથી કવાંટ તરફ જતા જતા બ્રિજના 7 નંબરનો કોલમ પાસે ઉપરના ભાગે સળિયા દેખાયા જ્યારે કોલમ પણ જર્જરિત દેખાઈ રહ્યો છે. જ્યારે 15 ફૂટ સુધી પાયા બહાર જોવા મળી રહ્યા છે.
ભારે રેતી ખનન થતા પાણીનો સીધો માર બ્રિજના પાયાને વાગતો હોય છે. જેને કારણે છોટાઉદેપુર પંથકના પુલોના પાયા જોવા મળતા હોય જ્યાં લિઝો ફાળવેલી નથી તેવી જગ્યાઓ ઉપર પણ રેતી ખનન થઈ રહ્યું છે. આ રેતીમાં માફિયાઓ પાપે આવનારા દિવસોમાં વધુ નુકસાન થવાની શક્યતાઓ પણ રહેલી છે. કવાંટ તરફ જતા આ બ્રિજની પણ રજુઆત જિલ્લાના નેતાઓ ઉચ્ચ કક્ષાએ કરે તેમ પ્રજાની માંગ ઉઠી છે.
છોટાઉદેપુર નગરને જોડતા ઓરસંગ નદી ઉપર આવેલ બંને અલીરાજપુર તરફ જતો બ્રિજ અને કવાંટ તરફ જતો બ્રિજ હાલ જર્જરિત જણાઈ રહ્યા છે. બ્રિજ ખૂબ જુના હોય તેના પાયા પણ દેખાઈ રહ્યા છે. જ્યારે બ્રિજ કવાંટ તરફ જતો બ્રિજનો 7 નંબરનો કોલમ સાધારણ બેન્ડ થઈ ગયો છે. જ્યાં સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. બંને બ્રિજ પાસેથી ભારે માત્રામાં રેતી ખનન થઈ જતા પાયાના ભાગને પાણીનો સીધો માર પડે છે. જે અંગે આવનારા દિવસોમાં જો બ્રિજને કોઈ નુકસાન થાય કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? એવા અનેક પ્રશ્નો પ્રજામાં ઉઠી રહ્યા છે. આ અંગે તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે તથા બ્રીજોની ગુણવત્તા તપાસી યોગ્ય કાર્યવાહી કરી રીપેરીંગ કામ કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સ્ટેટ હાઇવેના છોટાઉદેપુરના બ્રિજનું સમારકામનું ટેન્ડર મંજૂરી અર્થે ઉચ્ચ કક્ષાએ મોકલ્યું હોય જે હજુ મંજુર થઈને આવ્યું નથી.
1 ( થોડા દિવસો અગાઉ છોટાઉદેપુરથી વડોદરા તરફ જતો નેશનલ હાઇવે નંબર 56 ઉપર ભારજ નદી ઉપર સિહોદ પાસેનો બ્રિજ ભારે વરસાદમાં પાણી આવતા તૂટી ગયો છે. બનાવેલો ડાયવર્ઝન પણ ધોવાઈ ગયો છે. જેથી તંત્ર દ્વારા આ માર્ગ બંધ કરી દેવાયો છે. અને પ્રજાની હાલત કફોડી બની છે. લોકોએ ત્યાંથી ફરી ફરીને જવું પડે છે. અને સમય અને નાણાંનો વેડફાટ થાય છે. જે સમસ્યાનું પુનરાવર્તન ન થાય તે માટે છોટાઉદેપુર જિલ્લા મથકના બંને બ્રિજની પણ કાળજી લેવી જરૂરી છે. )
2 ( છોટાઉદેપુર થી વડોદરા રોડ ઉપર તથા છોટાઉદેપુર થી મધ્યપ્રદેશ તરફ જતા રસ્તાઓ અને છોટાઉદેપુર થી કવાંટ નસવાડી તરફ જતા રસ્તાઓ ઉપર બનાવવામાં આવેલ બ્રિજ પ્રજાને અવરજવર માટે ઘણા મહત્વના છે. પરંતુ આ બ્રિજ જુના થઈ ગયા હોય અને પ્રજા માટે અતિ મહત્વના ગણાતા હોય સદર રસ્તાઓ પરથી રોજબરોજ હજારો વાહનો પસાર થતા હોય જેથી તેની મરામત જરૂરી અને આવશ્યક થઈ પડી છે. નદીમાં હવે ભારે પથ્થર અને કાંકરા રહ્યા છે. રેતીનો જથ્થો ખૂટવાને આરે છે. ત્યારે જે રેતી દ્વારા બ્રિજના પાયાને પ્રોટેક્શન મળતું હતું. તે હવે મળતું નથી આવનારા દિવસોમાં અન્ય બ્રિજને કોઈ નુકસાન ન થાય તે અંગે પગલાં ભરવા તંત્રની પ્રાથમિક ફરજ છે. સાથે સાથે ઓરસંગ નદીમાં થતું ગેરકાયદેખનન અટકાવવો પણ જરૂરી છે. )