પઢીયાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું પોલીસ બનવાનું સ્વપ્ન : કાંકણપુર પી.આઈ. દ્વારા પ્રેરક માર્ગદર્શન
.આઈ.એમ.બી ગઢવીએ વિદ્યાર્થીઓને પોલીસની ફરજો, જવાબદારીઓ અને સમાજમાં તેની ભૂમિકા વિશે માહિતી આપી

પંચમહાલ,
પઢીયાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પોલીસ બનવાનું પ્રબળ સ્વપ્ન જોવા મળી રહ્યું છે. શાળાના આશરે ૭૦% જેટલા વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પોલીસ અધિકારી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, શાળાના આચાર્ય કમળાબેન માછી દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે આયોજિત વિદાય સમારોહમાં કાંકણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.બી. ગઢવીને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
પી.આઈ.એમ.બી ગઢવીએ વિદ્યાર્થીઓને પોલીસની ફરજો, જવાબદારીઓ અને સમાજમાં તેની ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, પોલીસ બનવું એ માત્ર એક નોકરી નથી, પરંતુ તે સમાજની સેવા કરવાનું અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાનું એક પવિત્ર કાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવા, શિસ્ત જાળવવા અને સારા નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા.
પઢીયાર પ્રાથમિક શાળાના આચાર્ય કમળાબેન માછીએ જણાવ્યું હતું કે શાળા હંમેશા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ છે અને આવા પ્રેરક કાર્યક્રમોનું આયોજન વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. તેમણે પી.આઈ. એ.બી ગઢવીનો શાળામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ વિદાય સમારોહ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ રહ્યો હતો, જે તેમને તેમના ભવિષ્યના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડશે. આ સમારંભમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.