*છોટા ઉદેપુર વિસ્તારમાં જ્યોતી ગ્રામ યોજના હેઠળ ચોવીસ કલાક વીજ પુરવઠો આપવા ધારાસભ્ય ની માંગ*
છોટા ઉદેપુર તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં જ્યોતી ગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજ પુરવઠો આપવા છોટા ઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્યના ઊર્જા વિભાગ મંત્રી કનુભાઈ દેસાઈ ને ગાંધીનગર રૂબરૂ મળી વિસ્તૃત ચર્ચા કરી હતી અને પત્ર લખી માંગણી કરી છે. અને ૧૪૫ જેટલા આદિવાસી ગામોને ૨૪ કલાક વીજ પુરવઠો મળે તે માટે લેખિત રજૂઆત કરી છે.
ઊર્જામંત્રી ને લખેલ પત્ર માં ધારાસભ્ય એ જણાવ્યું છે કે છોટા ઉદેપુર વિસ્તારમાં ૧૪૫ જેટલા આદિવાસી વસ્તી ધરાવતા ગામો આવેલા છે સમયાંતરે વસ્તી વધારો થવાથી આદિવાસી ગ્રામજનો એ અલગ અલગ જગ્યાએ પોતાના ઘરો બનાવ્યા છે. આ જ્યોતી ગ્રામ યોજના જે તે વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઊંડાણના જંગલ વિસ્તારમાં રહેતા લોકોને ઘરે ઘરે વીજળી પહોંચાડવાના ઉમદા હેતુથી શરૂ કરી હતી. રાજ્ય સરકારે જ્યોતી ગ્રામ યોજના હેઠળ અમારા વિસ્તારમાં અસંખ્ય લોકોને વીજ જોડાણ આપવામાં આવ્યા છે આવા જોડાણો ખેતી વિષયક વીજ લાઈન માંથી આપવામાં આવ્યા છે. જ્યાં ૨૪ કલાક જ્યોતી ગ્રામ યોજના હેઠળ વીજ પુરવઠો મળતો નથી. જેથી અસંખ્ય લોકો એ અમોને ૨૪ કલાક વીજળી મળે તે માટે રજૂઆત કરી છે. આવા કનેકશનોની ગ્રામ દીઠ યાદી પણ આપેલી છે. ધારાસભ્ય દ્વારા આ ગામોની યાદી પણ મોકલવામાં આવી હોય.
ઉલ્લેખનીય છેકે ધારાસભ્ય દ્વારા ઊર્જામંત્રી ને રજૂઆત કરતા પ્રત્યુતર માં જણાવવામાં આવ્યું છે કે માંગેલ વીજ જોડાણ ના સ્થળથી વીજ લાઈન કુટીર જ્યોત યોજના ના પ્રવર્તમાન નિયત મુજબના અંતર કરતા વધુ અંતરે આવેલ હોય તેથી વીજ કનેક્શન આપી શકાય નહીં. એવો જવાબ લેખિતમાં ધારાસભ્યને મળ્યો છે. તો નિતી નિયમો ની પુનઃ સમીક્ષા કરી વડાપ્રધાનના ઉમદા હેતુને સાકાર કરવા આદિવાસી વિસ્તારમાં રહેતા છૂટા છવાયા ઘરોમાં જ્યોતી ગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળી મળે તે માટે ખાસ માંગણી ઊર્જામંત્રી ને મોકલેલ લેખિત પત્રમાં ધારાસભ્યએ કરી છે.
( છોટા ઉદેપુર તાલુકાના ફેરકુવા ગામના ૧૮ જેટલા વ્યક્તિઓ, અછાલા ગામના ૧૪ જેટલા વ્યક્તિઓ, જોડાવાટ ના ૫, ભોરદા ગામના ૧૨, સિમલકુવા ગામના ૭ વ્યક્તિ દ્વારા ૨૪ કલાક વીજ પુરવઠો મળે તે માટે ધારાસભ્ય ને રજૂઆત કરી હતી. )
અબુલ આસ ગોહિલ ( છોટાઉદેપુર )