ગોધરા

ગોધરા ખાતે “૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ”નો શુભારંભ કાર્યક્રમ યોજાયો

ગોધરા ખાતે "૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ"નો શુભારંભ કાર્યક્રમ યોજાયો*જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિઆએ ​લીલી ઝંડી આપી નિક્ષય વાનને કરાવ્યું પ્રસ્થાન*

પંચમહાલ,

પંચમહાલ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ નિમિત્તે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ અંતર્ગત ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરા – અમદાવાદ રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલ કેશવ કથા કુંજ સેમીનાર હોલ ખાતે “૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ”નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી ટીબી મુક્ત કરવા આજથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો છે. જે આગામી ૧૦૦ દિવસ સુધી એક ઝુંબેશ સ્વરૂપે ચાલુ રહેશે અને સમગ્ર પંચમહાલ જિલ્લામાં પણ આગામી ૧૦૦ દિવસ આપણે જિલ્લામાંથી ટીબી નિર્મુલન માટે સતત પ્રયાસરત રહીને કાર્ય કરતા રહીશું. જિલ્લાની આરોગ્ય શાખાની ટીમો દ્વારા હાથ ધરાનાર તપાસ સહિતની કામગીરીમાં જિલ્લાના નાગરીકોને સહયોગ આપવા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ૧૦ જેટલા ટીબીના પેશન્ટ્સને મહાનુભાવોના હસ્તે નિ:ક્ષય પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ટીબી પેશન્ટમાંથી ટીબી ચેમ્પીયન” બનેલા ૧૦ જેટલા લોકોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન ડાયરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિઆએ લીલી ઝંડી આપી નિક્ષય વાનને પ્રસ્થાન કરાવ્યુ હતું. ત્યારબાદ “૧૦૦ દિવસની ક્ષય નિર્મૂલન ઝુંબેશ” ના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ નિહાળ્યુ હતું.
જિલ્લા ક્ષય અધિકારીશ્રી એ.કે.તાવિયાડ એ ૧૦૦ દિવસ ક્ષય નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત હાથ ધરવામાં આવનાર આરોગ્યલક્ષી વિશેષ સેવાઓથી લોકોને માહિતગાર કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીત દ્વારા સ્વાગત પ્રવચન તથા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એચ.વી.પરમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ વેળાએ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓના ચેરમેનશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, આરોગ્ય અધિકારીશ્રીઓ, આરોગ્ય કર્મીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!