છોટાઉદેપુર પંથકની ઓરસંગ નદી કિનારે ગેર કાયદેસર રેતી ખનન નો વેપલો ઝડપાયો.
ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડ્યું તંત્ર, ઓરસંગ માં રેતી ખલાસ થઈ ગઈ હોય ત્યાં સુધી કોઈના ધ્યાને આવતું ન હતું. પરતું દિવાળી પૂરી થતાં તંત્ર એ કામગીરી બતાવી.
છોટાઉદેપુર નગર ના સામા કિનારે આવેલ પાદરવાટ, ઓલીઆંબા, સીમલીયા, પાનવડ રોડ, સિહોદ જેવા અલગ અલગ વિસ્તારો માંથી રેતી ખનિજનું ગેર કાયદેસર ખનન કરતા રેતી ભરેલા ૧૪ ટ્રેકટર અને ૨ ટ્રક ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડયા છે. જેનાથી રેતી માફિયા ઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ૧૪ ટ્રેકટર અને ૨ ટ્રક ઝડપી પાડી ખાણ ખનીજે રૂપિયા ૧ કરોડ ૨૦ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી માંથી જ્યાં રેતી ની લીઝ ફાળવેલ નથી તેવા વિસ્તારોમાં ઘણા સમય થી બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. અને રેતીના થર ખલાસ થઈ ગયા છે. પરતું ધોળે દિવસે રેતી ખનન પ્રક્રિયા ચાલતી હોય પણ અત્યારે તંત્રના ધ્યાને આવ્યુ એ નવાઈ ભરી વાત છે. કાયદાનું ભાન ભૂલેલા રેતી માફિયાઓ ઘણી વાર કહેતા હોય છે કે અમારું ઉપર સુધી સેટિંગ છે અમારું કોઈ કશુ બગાડી શકે નહિ.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર પંથકમાં રોજના ખુબજ મોટી માત્રામાં ટ્રેકટરો જુદા જુદા વિસ્તારમાં ઓરસંગ નદીમાં ઉતારી દેવામાં આવે છે. અને તંત્ર નિંદ્રા માં હોય ત્યારે રાત્રીના સમયે રેતી ની ગાડીઓ ભરી રવાના કરી દેવામાં આવે છે. અને સવારમાં કશુ જોવા મળતું નથી. આજરોજ વહેલી સવારે રેતી ખનન કરતા ૧૪ જેટલા ટ્રેકટર તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યા જે ખૂબ સારી બાબત છે પરતું અન્ય વિસ્તારોમાં થતુ બેરોકટોક રેતી ખનન ક્યારે ઝડપાશે તેની પ્રજા રાહ જોઈને બેઠી છે. હાલમાં ૧૪ ટ્રેકટર પકડી તંત્રએ સંતોષ માન્યો છે.